ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવા હાલ અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાનું પણ રાજીનામું

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવા હાલ અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાનું પણ રાજીનામું

Gujarat Politics : લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચ્યો છે. તેમણે ગુજરાત વિધાનસભા પહોંચીને સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સુપરત કર્યું હતું. આ રાજીનામા પછી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું છે. કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે.

મેં દબાણમાં નહીં પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે : મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાએ એક્સ પરથી કોંગ્રેસનું પ્રતીક હટાવી દીધું છે. રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. મોઢવાડિયાએ કહ્યું છે કે, ‘મેં કોઈના દબાણમાં નહીં પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. ઘણાં સમયથી હું કોંગ્રેસમાં ગુંગળાઈ રહ્યો હતો. રામ મંદિર વિવાદનો ઉકેલ બંધારણીય રીતે આવ્યો હોવા છતાં કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો, જે અયોગ્ય હતું. હવે મારે નહીં કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે.’

સૂત્રોના જણાવ્યાનુસાર, વર્ષ 2022માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા મોઢવાડિયા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બની શકે છે. ધારાસભ્ય બન્યા પછી તેમને ભાજપમાં મહત્ત્વની જવાબદારી મળે એવી પણ ચર્ચા છે. ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ છે.

અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપવાના કારણો!

એવું કહેવાય છે કે, અર્જુન મોઢવાડિયા કે.સી. વેણુગોપાલે ગુજરાત બાબતે લીધેલા નિર્ણયો અંગે નારાજ હતા. એટલું જ નહીં, વિપક્ષના નેતાની પસંદગી વખતે પણ કોંગ્રેસ હાઈ કમાન્ડે તેમને વિશ્વાસમાં લીધા ન હતા. કદાચ આ કારણસર જ તેઓ વિધાનસભા ચૂંટણી પછી પક્ષમાં સક્રિય ન હતા. આ ઉપરાંત રામ મંદિરના મુદ્દે કોંગ્રેસ હાઈ કમાન્ડે લીધેલા નિર્ણયો સામે પણ તેઓ નારાજ હતા. ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવાના નિર્ણય સાથે પણ તેઓ સંમત ન હતા.

છેલ્લા કેટલાક મહિનાઓથી રાજીનામાની થઈ રહી હતી ચર્ચા

તમને જણાવી દઈએ કે, છેલ્લાં કેટલાક સમયથી પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે ત્યારે તેમણે પોતાના રાજીનામાની વાતને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે આ અંગે ગત 24 જાન્યુઆરી 2024ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલોમાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થતી હતી. તેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું.’ પરંતુ આજે આ અહેવાલો સાચા સાબિત થયા છે. અર્જુન મોઢવાડિયાએ આજે રાજીનામું આપી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *